સુરત, 23 નવેમ્બર (હિ.સ.). મહારાષ્ટ્રમાં ભાજપનું રોડ રોલર ફરી વળ્યું છે. ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે ગુજરાતની વાવ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે. જેથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, લોકો હવે વિકાસને સ્વીકારી રહ્યાં છે. દેશના હિતને નુકસાન કરનારાઓને મતદારો જાકારો આપી રહ્યાં છે. વિકાસના પથ પર અને મોદીજીના નેતૃત્વને ફરીથી એકવાર લોકોના આશિર્વાદ મળ્યાં છે.
સી આર પાટીલે મહારાષ્ટ્રમાં પ્રચંડ વિજયને લઈ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી. મહારાષ્ટ્રની જનતાએ ફરી એક વખત મોદીજીના નેતૃત્વ ઉપર ભરોસો કર્યો છે. અનૈતિક જોડાણ કરનારા શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સતા હાંસલ કરવા માંગતા હતા. તેઓનો પનો આજે ટૂંકો પડ્યો છે. આજે તેઓના અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે. સતા હાંસલ કરવા વરસાદમાં નીકળતા ટોપની જેમ પક્ષને મહારાષ્ટ્રની જનતાએ જાકારો આપ્યો છે.
વાવ બેઠક પર થયેલી જીત અંગે સીઆર પાટીલે કહ્યું કે, આ જીત કાર્યકરોની જીત છે. ભાજપના તમામ કાર્યકરોએ ખૂબ મહેનત કરી હતી. જેનું આ પરિણામ છે. માવજી પટેલ ત્રીજા પરિબળ તરિકે સામે આવ્યાં છે. તેમને ઉભા રાખીને ભાજપે કોઈ ભૂલ ન કરી હોવાનો સ્વિકાર કરતાં પાટીલે કહ્યું કે, વાવની જનતાએ મૂકેલો વિશ્વાસ પણ એળે નહી જાય. તેમને પણ વિકાસની રાહમાં વિકાસના ફળનો લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે