વડોદરા/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) વડોદરાની આઇઓસીએલમાં ચાલીસ દિવસમાં આગનો બીજો બનાવ સામે આવ્યો છે. આજે ફરીથી સાંજના સમયે ગુજરાત રિફાઈનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર થી જોવા મળ્યા હતા.આગની ઘટના ના જાણકારી મળતા જ પોલીસે અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. મહત્વનું છે કે, ચાલીસ દિવસ પહેલા લાગેલી આગનો રિપોર્ટ પણ હજી નથી આવ્યો ત્યાં જ બીજી વાર આગ લાગી છે તેનું કારણ પણ હાલ અકબંધ છે.
વડોદરા નજીક આવેલ વડોદરાના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં 11 નવેમ્બર,2024 બપોરના 3.30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. 6 કિમી દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં બે કર્મચારીઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ સમગ્ર મામલે જીલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતાં. હજુ તો આ ઘટના ભુલાઈ નથી અને આ ઘટના કયા કારણોસર બની તે અંગેના રિપોર્ટ પણ એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યો નથી. ત્યારે આજે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત છે કે, આ આગ લાગી હોવાની માહિતી સ્થાનિક પોલીસને અપાય છે અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં આ અંગેની માહિતી ગ્રામ્ય એસડીએમને પણ આપવામા આવી છે. આ અંગે તેઓનું કહ્યું છે કે હાલમાં અમારે ટીમ ત્યાં પોંહચી રહી છે આ ઘટના કયા કારણોસર આગ કેટલી છે તે અંગેની જાણકારી મેળવી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે અગાઉ બનેલી ઘટના અંગે વિવિઘ તપાસ કરનાર એજન્સીઓ અને નિષ્ણાતો દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામા આવી હતી. અગાઉ બનેલી ઘટનામાં OISD (ઓઇલ ઇન્ડસ્ટ્રી સેફ્ટી ડાયરેક્ટર), PESO (પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઈઝેશન), સ્થાનિક પોલીસ અને FSL, IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ), ઇન્ડ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ સહિત GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે. વડોદરા ગ્રામ્ય એસ ડી એમ ને હજુ અગાઉની ઘટના અંગેનો તમામ એજન્સીઓ દ્વારા રિપોર્ટ નથી રજૂ કરવામાં આવ્યો ત્યારે ફરી આ ઘટનાં સામે આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ