
જામનગર, 1 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં રહેતા 39 વર્ષના યુવકનું રાજકોટમાં બેભાન થઈ જતા મોત થયું છે. મૃતક યુવક હજુ એક દિવસ પૂર્વે જ સુપરવાઈઝર તરીકે નોકરીએ જોડાયો હતો.
મળતી માહિતી મુજબ, રાજકોટના ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર ઠાકર ચોકડી પાસે હિલ સ્ટોન બિલ્ડીંગની બાંધકામ સાઈટ પર આજે વહેલી સવારે પાંચ વાગ્યે જીતેશભાઈ પીપરોતરા (ઉંમર વર્ષ 39, રહે. મૂળ જામનગર) બેભાન થઈ જતા ત્યાં હાજર કર્મચારી- શ્રમિકોએ તેને સિવિલ હોસ્પિટલ ખસેડેલ. જ્યાં ડોકટરે જોઈ તપાસી તેને મૃત જાહેર કરેલ હતા.
સાથી કર્મચારીઓએ જણાવ્યા મુજબ, જીતેશભાઈ પીપરોતરા નવા 150 ફૂટ રીંગ રોડ ઠાકર ચોકડી પાસે આવેલ હિલ સ્ટોન બિલ્ડીંગ સાઈટ પર સુપરવાઈઝર તરીકે નોકરીમાં હજુ ગઈકાલે જ જોડાયા હતા.
તેઓ ગઈકાલે સાંજે અહીં સાઈટ પર આવ્યા હતા. પોલીસે તેમનો મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. તેમના પરિવારજનોને જાણ કરાઈ છે. હાલ હાર્ટ એટેક આવી ગયાનું અનુમાન છે. પરંતુ મોતનું સ્પષ્ટ કારણ પીએમ બાદ સામે આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt