

- મુખ્યમંત્રીએ પ્રદર્શની અને મલ્ટિમીડિયા શૉનું લોન્ચિંગ કરાયું
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત સો વર્ષથી ષ્ટ્ર પ્રથમના ભાવ સાથે આગળ વધતો રહ્યો છે
- સંઘે આપેલા પંચ પ્રણને સાકાર કરી વિકસિત ભારત માટે કટિબદ્ધ બનીએ
અમદાવાદ, 12 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદમાં આયોજિત ચાર દિવસીય વ્યાખ્યાનમાળાના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષથી નિરંતર રાષ્ટ્રહિત સર્વોપરી એટલે કે રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે પોતાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યો છે. સો વર્ષે પણ આ સંસ્થાના વિચારો બદલાયા નથી, પરંતુ વધારે ગહન અને વ્યાપક બન્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સંઘ માટે કહેવાય છે કે તેના માર્ગદર્શનમાં સામાન્ય લોકો મળીને અસામાન્ય અને અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. સંઘે હંમેશાં વ્યક્તિ નિર્માણ પર ભાર મૂકીને રાષ્ટ્રસેવાને સમર્પિત યુવાનો તૈયાર કર્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડૉ. હેડગેવારનું પુણ્ય સ્મરણ કરીને જણાવ્યું હતું કે ડૉક્ટર હેડગેવાર જાણતા હતા કે દરેક નાગરિકના મનમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગશે ત્યારે જ ભારત એક સશક્ત રાષ્ટ્ર બની શકશે. ડોક્ટર સાહેબ સામાન્ય લોકોને રાષ્ટ્રીયતાનું વિઝન આપીને રાષ્ટ્રને સમર્પિત યુવાનો તૈયાર કરતા હતા, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આજે વિશ્વબંધુની
ભૂમિકામાં છે, ત્યારે સંઘે પોતાના રચનાત્મક અભિગમ સાથે પંચ પ્રણ પ્રસ્તુત કર્યા છે. આ પંચ પ્રણ વૈશ્વિક પડકારોનો ઉકેલ પણ આપે છે. સંઘે આપેલા પંચ પ્રણને સાકાર કરી વિકસિત ભારત માટે કટિબદ્ધ બનીએ, એવું આહ્વાન મુખ્યમંત્રીએ કર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર કરતા અનેક કાર્યક્રમોમાં આ વર્ષે સહભાગી બનવાનું છે. વંદે માતરમના 150 વર્ષ, ભગવાન બિરસા મુંડાની 150મી
જયંતી, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતી, અટલજીના જન્મનું 100મુ વર્ષ, બંધારણના અંગિકારને 75 વર્ષ અને હવે તેમાં સંઘની શતાબ્દી પણ ઉમેરાઈ છે ત્યારે રાષ્ટ્રહિત માટે સોનામાં સુગંધ જેવો આ અવસર છે.સંઘની શતાબ્દી નિમિત્તે આયોજિત આ વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને મલ્ટીમીડિયા શૉ આપણું માર્ગદર્શન કરશે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રાને દર્શાવતું પ્રદર્શન યોજવામાં આવ્યું છે, તેમજ મલ્ટીમીડિયા શૉ પણ તૈયાર કરાયો છે, જેનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
વ્યાખ્યાનમાળાના પહેલાં દિવસે સંઘના સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલજીએ યુગદૃષ્ટા ડૉ. હેડગેવાર:બીજથી વટવૃક્ષની યાત્રા વિષય પર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં એક શ્રોતા તરીકે મુખ્યમંત્રી સહભાગી થયા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી દર્શના વાઘેલા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, ભારતીય વિચાર મંચનાં અધ્યક્ષા શ્રીમંત રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ, મંચના કાર્યકારી અધ્યક્ષ અવધૂત સુમન્ત સહિતના આગેવાનો, સંઘ અને તેની ભગિની સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ