
કુલગામ, નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.): પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી (જેઈએલ) સામે મોટી કાર્યવાહીમાં, પોલીસે બુધવારે કુલગામ જિલ્લામાં 200 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી નેટવર્ક અને તેના સમર્થન માળખાને પાયાના સ્તરે તોડી પાડવાના સતત પ્રયાસોના ભાગ રૂપે જેઈએલ ના સભ્યો અને તેમના સહયોગીઓના ઘરો અને પરિસર પર દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓજીડબ્લ્યુ, જેકેએનઓપીએસ, અગાઉના એન્કાઉન્ટરના સ્થળો અને સક્રિય/માર્યા ગયેલા આતંકવાદીઓના છુપાયેલા સ્થળોને લક્ષ્ય બનાવીને 400 થી વધુ કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.
આ કામગીરીમાં જેકેએનઓપીએસ અને અન્ય પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા આશરે 500 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી ઘણાને નિવારક કાયદા હેઠળ અનંતનાગની જિલ્લા જેલ મટ્ટનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન ગુનાહિત સામગ્રી અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા, અને જમાત-એ-ઇસ્લામીના ઘણા સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. આતંકવાદને ટેકો આપતા નેટવર્ક્સને શોધી કાઢવા અને તોડી પાડવા માટે જમાત-એ-ઇસ્લામીના સભ્યોની અટકાયત કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે કુલગામ પોલીસ આતંકવાદ અને તેના નેટવર્ક્સ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાની નીતિનું પાલન કરે છે અને ખાતરી કરે છે કે, જિલ્લામાં શાંતિ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે કોઈ પણ તત્વને મંજૂરી આપવામાં ન આવે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ