

- કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરીયાએ દિલ્હીમાં થયેલાં કાર વિસ્ફોટને લઈને બે મિનિટનું મૌન પાળી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
ભાવનગર, 12 નવેમ્બર (હિ.સ.) : આજરોજ ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો સાદાઈથી શુભારંભ કરાયો હતો. જેમાં દિવ્યાંગ ખેલાડીઓએ દોડ, કુદ અને ફેંક વિભાગની ઇવેન્ટ તેમજ મનોરંજન રમતોની અંદર પોતાનું કૌવત બતાવ્યું હતું.
આ વેળાએ કેન્દ્રિય રાજયમંત્રી મુબેન બાંભણીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, મેયર
ભરત બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયા મીયાણી, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક નીતીશ પાંડેય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, કુમાર શાહ, જિલ્લા રમતગમત અધિકારી નરેશ ગોહિલ, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત ઉપસ્થિત સૌએ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલાં કાર વિસ્ફોટને લઈને બે મિનિટનું મૌન પાળી, મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,દિવ્યાંગ ખેલાડીઓ માટે સાંસદ ખેલ મહોત્સવમાં વિવિધ પાંચ કેટેગરીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત, માનસિક ક્ષતિગ્રસ્ત, બ્લાઇન્ડ ડેફ કેટેગરી અને સેરેબલ પલ્સી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા પંચાયત સીટ, તાલુકા/ ઝોન સ્પર્ધા તેમજ જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે.
આ રમતોમાં એથ્લેટીક્સ 50 મીટર અને 100 મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, બાસ્કેટબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, ખો-ખો, સંગીતખુરશી (બહેનો), લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ, વોલીબોલ, નાર્ગેલ અને કોથળા દોડ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 14 વર્ષ સુધીના, 15 થી 20 વર્ષના લોકો, 21 થી 35 વર્ષના લોકો, 36 થી 50 અને 51 થી વધુ ઉંમરના લોકો ભાગ લેશે.
.16,17 અને 18 ડિસેમ્બરથી શક્તિ કેન્દ્રો ખાતે, 20,21,22 ડિસેમ્બરથી તાલુકા અને ઝોનલ કક્ષાની રમતનું આયોજન તેમજ 25 ડિસેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનું સમાપન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ