
પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર APMCમાં આવેલી ‘આહીર બ્રધર્સ’ નામની પેઢી પર જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડી ₹3.31 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી ખાનગી બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી.
પુરવઠા અધિકારી હેમાંગીની ગુર્જરના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન પેઢીમાં 1980 કિલો ઘઉં અને આશરે 10,234 કિલો ચોખાનો મોટો જથ્થો મળ્યો હતો. પેઢી માલિકો આ જથ્થાના બિલ રજૂ કરી શક્યા ન હતા, તેથી ટીમે સ્થળ પરથી આખો જથ્થો સીઝ કર્યો હતો.
આ જપ્ત અનાજની બજાર કિંમત આશરે ₹3,31,758/- આંકવામાં આવી છે. જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે રાધનપુર ગોડાઉનમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે, જ્યારે પુરવઠા વિભાગ દ્વારા આ મામલે કાયદેસરની વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ