
- મગફળીમાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ.7263 ટેકાનો ભાવ ચૂકવાય છે.
રાજકોટ,14 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ગત 9 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ 29 કેન્દ્રો પરથી ખરીદીની પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે અત્યાર સુધીમાં કુલ 1,77,008 ખેડૂતોએ નોંધણી કરાવી છે.
ખરીદીની શરૂઆતથી આજદિન સુધીમાં 4030 ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી 94,44,680 કિલોગ્રામ (94,446.8 ક્વિન્ટલ) મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને મગફળીના પ્રતિ ક્વિન્ટલ રૂ. 7263 ટેકાના ભાવ ચૂકવવામાં આવે છે. જિલ્લામાં મગ, અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે ખરીદી પણ આગામી એક-બે દિવસમાં શરૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ