
અમદાવાદ, 14 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા જાન્યુઆરી – જૂન 2025 બેચના મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો પદવીદાન સમારોહ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભૂતપૂર્વ ડાયરેક્ટર, એન.આઈ.ડી પ્રોફેસર પ્રદ્યુમ્ન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે જિગીશ દોશી હાજર રહ્યા હતા. બંને મહાનુભાવો દ્રારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
એએમએ કાર્યકારી સમિતિના સભ્ય શૈલેશ ગોયલે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને એએમએના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉમેશ દીક્ષિતે આભારવિધિ કરી હતી.
એએમએના નિરંતર શિક્ષણ કાર્યક્રમોએ વ્યક્તિઓ, સંસ્થાઓ અને સમાજને સશક્ત બનાવવા માટે એક મજબૂત વારસો પ્રસ્થાપિત કર્યો છે. આજે, કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સેન બર્નાર્ડિનો યુએસએના સહયોગથી એએમએના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કાર્યક્રમો એક અનોખું બ્રાન્ડ મૂલ્ય ધરાવે છે. એએમએના નિરંતર શિક્ષણ મોડેલ આધારિત વિવિધ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કાર્યક્રમો વિવિધ વિશિષ્ટ ક્ષેત્રોમાં નવીન કાર્યક્રમ પ્રદાન કરે છે, જેમાં માર્કેટિંગ અને સેલ્સ, હ્યુમન રિસોર્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ, ફાઇનાન્સ, હેલ્થકેર અને હોસ્પિટલ, બેન્કિંગ અને ડિજિટલ માર્કેટિંગનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ