
ભાવનગર 14 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડા ની 150મી જયંતિના પાવન અવસરે સમગ્ર દેશમાં 01 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ પખવાડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અવસર પર ભાવનગર રેલવે મંડળમાં આજે, તા. 14 નવેમ્બર 2025ના રોજ મહાન સ્વતંત્રતા સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાજીની જયંતિ મોટા હર્ષોલ્લાસ, ઉત્સાહ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી. આ પ્રસંગે મંડળ સભાગૃહમાં “જનજાતીય ગૌરવ સપ્તાહ” અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો આરંભ અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્માની અધ્યક્ષતામાં થયો. સૌપ્રથમ ભગવાન બિરસા મુંડાજીના ચિત્ર પર માલ્યાર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ તેમના જીવન, સંઘર્ષ અને સ્વતંત્રતા આંદોલનમાં આપેલા અમૂલ્ય યોગદાન પર આધારિત પ્રેરક વૃત્તચિત્ર રજૂ કરવામાં આવ્યું.
તેમના સંબોધનમાં અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્માએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાએ માત્ર બ્રિટિશ શાસન સામે સંઘર્ષ કરી આદિવાસી સમાજને એકજૂથ કર્યો નહોતો, પરંતુ સમાજ સુધારણા અને રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પણ વિશિષ્ટ યોગદાન આપ્યું હતું. તેમનું સમગ્ર જીવન સંઘર્ષ, આત્મસન્માન અને દેશભક્તિનું પ્રેરણાદાયક પ્રતિક છે, જેમાંથી વર્તમાન તથા આવનારી પેઢીઓને સતત પ્રેરણા મળતી રહેશે.
સેમિનાર દરમિયાન વક્તાઓ દ્વારા ભગવાન બિરસા મુંડા ના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન તેમજ આદિવાસી સમાજના ઉત્થાન માટે કરેલા કાર્ય વિશે વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો. કાર્યક્રમમાં હાજર કર્મચારીઓને તેમના જીવન પર આધારિત એક પ્રેરણાદાયી શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી.
આ અવસર પર મોટી સંખ્યામાં શાખા અધિકારીઓ, કર્મચારીઓ, ટ્રેડ યુનિયન અને એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમનું સફળ આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગનના માર્ગદર્શન હેઠળ અને સહાયક કાર્મિક અધિકારી (I) શ્રી વાઈ. રાધેશ્યામના સંકલનથી કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન કાર્મિક વિભાગના મુખ્ય કર્મચારી અને કલ્યાણ નિરીક્ષક શૈલેષકુમાર પરમાર દ્વારા કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ