
-અનિલ અંબાણીએ 'ડિજિટલ માધ્યમ' દ્વારા ઈડી સમક્ષ હાજર થવાની ઓફર કરી
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, રિલાયન્સ એડીએજી ગ્રુપના ચેરમેન અનિલ ડી. અંબાણીની વર્ચ્યુઅલ મોડ દ્વારા પૂછપરછ માટે હાજર થવાની વિનંતી ફગાવી દીધી છે. અંબાણીને આજે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તેઓ રૂબરૂ હાજર થયા ન હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પૂછપરછના બીજા રાઉન્ડ માટે કેન્દ્રીય તપાસ એજન્સીના દિલ્હી કાર્યાલયમાં હાજર રહેવામાં નિષ્ફળ ગયા હતા. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ઓનલાઈન પૂછપરછની કાર્યવાહીમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરતો ઇમેઇલ મોકલ્યો હોવા છતાં, કેન્દ્રીય તપાસ એજન્સીએ તેમને વર્ચ્યુઅલ રીતે હાજર રહેવાની મંજૂરી આપી ન હતી.
ઉદ્યોગપતિ અનિલ અંબાણી (66) ના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ હાથ ધરવામાં આવી રહેલી તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપતા કેન્દ્રીય તપાસ એજન્સીને પત્ર લખ્યો છે. અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, તેઓ વર્ચ્યુઅલ રીતે હાજર થવા માટે તૈયાર છે અને તમામ બાબતોમાં ઈડી સાથે સંપૂર્ણ સહયોગ કરશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, સમન્સ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તપાસને બદલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તપાસ સાથે સંબંધિત છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ