
- ગામડાના બાળકોને શહેર સમકક્ષ સુવિધાઓ પૂરી પાડવાની સરકારની પ્રતિબદ્ધતા
- કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પરિણામે શિક્ષણમાં દીકરીઓની સંખ્યા અને ગુણવત્તામાં વધારો
- જિલ્લામાં 4 જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ કાર્યરત,500 વિદ્યાર્થીની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ મંજૂર
સુરેન્દ્રનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ખાતે આવેલી શહીદવીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળામાં 6 વર્ગખંડ તથા શાળા અપગ્રેડેશનના વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તથા ધારાસભ્ય પી.કે.પરમારના વરદ હસ્તે શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ શાળાની સરાહના કરતા જણાવ્યું હતું કે, આ ગામડાની શાળા શહેરની શાળાને ભુલાવી દે તેવી છે. તેમણે જણાવ્યું કે નવનિર્મિત છ રૂમ પૈકી, બે રૂમ પ્રોજેક્ટરથી શિક્ષણ આપવા માટે તૈયાર કરાયા છે, જ્યારે ત્રણ રૂમમાં એલઈડી સ્ક્રીન સાથેની કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ગામડાના બાળકો પણ શહેરના બાળકોની જેમ સારી રીતે સરકારી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શરૂ કરાવેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોને લીધે આજે શિક્ષણમાં દીકરીઓની સંખ્યા અને સારા પરિણામો દેખાય છે. તેમણે સરકારી શાળામાં મફતમાં મળતા ગણવેશ અને ચોપડાની સુવિધા તેમજ શિક્ષકોના પોતીકા ભાવ સાથેના શિક્ષણની પણ નોંધ લીધી હતી.
શિક્ષણ ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓ પર ભાર મૂકતા, જગદીશ મકવાણાએ તાજેતરમાં ફેબ્રુઆરી 2024ના બજેટમાં અમલમાં આવેલી નમો લક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતા સરકારી શાળાના બાળકોને શિક્ષણ ન છોડવું પડે તે માટે દર વર્ષે રૂ. 12000 એમ કુલ રૂ. 48000ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ
ઉપરાંત, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત ધોરણ 6 થી 12 સુધી બાળકને રહેવા-જમવા સહિત મફતમાં અભ્યાસ કરાવવામાં આવે છે. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો મંજૂર કરાઈ છે. ઉચ્ચ શિક્ષણ માટે શહેરોમાં
અભ્યાસ કરતા બાળકો માટે 500ની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂર કરાઈ છે. તેમણે NMMS સ્કોલરશિપ હેઠળ રૂ.48000ની સહાય મળતી હોવાનું જણાવી ધોરણ 8 ના બાળકોને આ પરીક્ષામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય પી.કે.પરમારે પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ નવનિર્મિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલ ઓફ એક્સલન્સની અપેક્ષા મુજબની ભૌતિક સુવિધાઓ સાથેનું છે અને સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ખાનગી શાળાઓ સમકક્ષ સુવિધાઓ ધરાવે છે. આ માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ભૂતકાળમાં જે ડ્રોપઆઉટ રેશિયો 35% હતો, તે આજે ઘટીને શૂન્ય થઈ શક્યો છે. તેમણે શિક્ષણને કોઈપણ વિકાસના પાયામાં રહેલું ગણાવી ગુણાત્મક શિક્ષણ માટે ગુણોત્સવના કાર્યક્રમોનો પણ
ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, ધારાસભ્યએ સરકારના અન્ય જનકલ્યાણકારી નિર્ણયો અને વિકાસ કાર્યોની વિસ્તૃત વાત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ