
ભાવનગર 7 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ રેલવે સ્ટેશન પર ઈમાનદારી, તત્પરતા અને કર્તવ્યનિષ્ઠાનું એક પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. તારીખ 07.12.2025 (રવિવાર)ના રોજ ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ–વેરાવળ “સોમનાથ એક્સપ્રેસ”માં મુસાફરી કરી રહેલી મહિલા મુસાફર શ્રીમતી દિશા રૂપારેલિયા (કોચ B3/46)નું પર્સ ટ્રેનમાં રહી ગયું હતું, જેને એક અન્ય મુસાફરે શોધીને વેરાવળ સ્ટેશન પર સ્ટેશન અધિક્ષકના કાર્યાલયમાં જમા કરાવ્યું હતું.
ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે, આ પર્સ ઉપ સ્ટેશન અધિક્ષક વેરાવળ શ્રી રાજીવ મિશ્રાને સોંપવામાં આવ્યું હતું, જેમાં બે મોબાઈલ ફોન, અંદાજે રૂ. 5,000 રોકડ રકમ તેમજ અન્ય મહત્વના દસ્તાવેજો અને સામાન હાજર હતા. મિશ્રાએ તત્કાળ કાર્યવાહી કરીને સંબંધિત મુસાફરનો સંપર્ક કર્યો, ઓળખની પુષ્ટિ કરી અને પર્સ સુરક્ષિત રીતે પરત આપ્યું.
પર્સ મળ્યા બાદ મહિલા મુસાફરે ઉપ સ્ટેશન અધિક્ષક રાજીવ મિશ્રાની સતર્કતા, ઈમાનદારી અને ઝડપી કામગીરીની હૃદયપૂર્વક પ્રશંસા કરી તથા રેલવે પ્રશાસન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે, ભાવનગર રેલ મંડળ આવા કર્તવ્યનિષ્ઠ રેલકર્મીઓના કાર્યોની સરાહના કરે છે, જે મુસાફરોમાં રેલવે પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ