નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ ગુરુવારે
ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન સામે, દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.
કૈટના રાષ્ટ્રીય
મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે, કેન્દ્ર સરકાર અને નિયમનકારી સંસ્થાઓને ઈ-કોમર્સ કંપની
એમેઝોનના વારંવારના ખોટા કાર્યો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેમણે
વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની અનૈતિક અને ગેરકાયદેસર વ્યવસાયિક પ્રથાઓથી ભારતીય
વ્યવસાયોને બચાવવા માટે યોગ્ય નીતિઓ લાગુ કરવાની પણ માંગ કરી.
'બેવર્લી હિલ્સ
પોલો ક્લબ' ટ્રેડમાર્કનું
ઉલ્લંઘન કરવા બદલ, હાઈકોર્ટે એમેઝોન પર 39 મિલિયન ડોલર (લગભગ રૂ. 340 કરોડ) નો દંડ ફટકાર્યો છે. આના બીજા દિવસે, ખંડેલવાલે કહ્યું
કે,” એમેઝોન સામે હાઈકોર્ટનો આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી
ટ્રેડમાર્ક પાલન પગલાં લાગુ કરવાની સખત જરૂર છે.”
ખંડેલવાલે જણાવ્યું હતું કે,” આ
નિર્ણયની ભારતમાં કાર્યરત ઓનલાઈન માર્કેટપ્લેસ પર દૂરગામી અસરો પડશે.” તેમણે
કહ્યું કે,” હાઈકોર્ટનો આ નિર્ણય બ્રાન્ડ માલિકો માટે એક મોટી જીત છે અને ડિજિટલ
યુગમાં, બૌદ્ધિક સંપદા અધિકારોના રક્ષણ પ્રત્યે ભારતીય ન્યાયતંત્રની પ્રતિબદ્ધતા
દર્શાવે છે.”
તેમણે કહ્યું કે,” એમેઝોન પાસે કાયદાકીય ઉલ્લંઘનોનો લાંબો
ઇતિહાસ છે.જેમાં નકલી ઉત્પાદનો વેચવા, કરચોરી કરવી અને ભારતના ઈ-કોમર્સ નિયમોનું
ઉલ્લંઘન કરવાનો સમાવેશ થાય છે.”
કૈટના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે,”વારંવાર ચેતવણીઓ અને
કાનૂની કાર્યવાહી છતાં, આ પ્લેટફોર્મ
નાના વ્યવસાયોનું શોષણ કરવામાં, ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં અને ભારતીય કાયદાઓની અવગણના
કરવામાં સામેલ છે. આ તાજેતરનો કોર્ટનો નિર્ણય એમેઝોનની, બેજવાબદાર વ્યવસાયિક
પ્રથાઓ અને અસરકારક પાલન પગલાં લાગુ કરવામાં નિષ્ફળતાનો પુરાવો છે.”
કૈટના રાષ્ટ્રીય પ્રમુખ બીસી ભરતિયાએ જણાવ્યું હતું કે,”
ભારતમાં કાર્યરત ઈ-કોમર્સ પ્લેટફોર્મને, તેમના પ્લેટફોર્મ પર થઈ રહેલી ગેરકાયદેસર
અને અનૈતિક પ્રવૃત્તિઓ માટે જવાબદાર ઠેરવવા જોઈએ.”
તેમણે કહ્યું કે,” બહુરાષ્ટ્રીય
કંપનીઓ ભારતની વેપાર વ્યવસ્થાને નબળી પાડવાનું અને વેપારીઓ, ગ્રાહકો અને
બ્રાન્ડ માલિકોના અધિકારોનું ઉલ્લંઘન કરવાનું બંધ કરે તે માટે, દંડાત્મક
કાર્યવાહીની સાથે એક મજબૂત નિયમનકારી દેખરેખ પદ્ધતિ બનાવવાનો સમય આવી ગયો છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ