ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરભાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, કુંવરબાઇનું મામેરું યોજનાનો લાભ રાજ્યની દરેક જરૂરિયાતમંદ મહિલાઓને સત્વરે અને સરળતાથી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતાં હતાં, જેમાં સુધારો કરી હવે માત્ર જૂજ પુરાવા જ રજૂ કરવાના હોય છે.
તેમણે વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 43000થી વધુ લાભાર્થીઓને રૂ. 49.56 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. માત્ર વર્ષ 2023-24માં જ 11300 થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. 13.51 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ગત વર્ષે અનુસૂચિત જાતિના 650 લાભાર્થીઓને રૂ. 78 લાખથી વધુની સહાય આપવામાં આવી હતી, તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી કાર્યરત છે. કુંવરબાઇનું મામેરું યોજનામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા 12 હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ ઉપરાંત પુનઃ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ