ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાંસ્કૃતિક મંત્રી મુળુ બેરા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાતના 57 સર્જકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આત્મકથા, રેખાચિત્ર – પત્ર જીવનચરિત્ર વિભાગમાં સંજય થોરાત ‘સ્વજન’ને ‘અનોખાં સ્વાતંત્ર્ય સેનાની મણિબહેન પટેલ’ પુસ્તકને દ્વિતિય પારિતોષિક આપવામાં આવ્યું હતું.
‘અનોખાં સ્વાતંત્ર્ય સેનાની મણિબહેન પટેલ’ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ – 2022મા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતના 75 સ્વાતંત્ર્ય સેનાની શ્રેણીનો એક ભાગ છે. આ પુસ્તકમાં મણિબહેન પટેલ વિશે વિસ્તૃત અને રસપ્રદ માહિતીનો સમાવેશ થાય છે. સરદાર પટેલનાં અંગત સચિવ મણિબહેન, મણિબહેન પટેલના પ્રેરક પ્રસંગો, કૉફીની હવા અને નશાબંધી, મણિબહેન અને મૃદુલાબહેન, મણિબહેનને સરદાર પટેલે લખેલા પત્રો, આત્મનિર્ભર મણિબહેન, સત્યાગ્રહી મણિબહેન, સેવાપ્રિય મણિબહેન, સત્તા પછીનાં સાદાઈમૂર્તિ મણિબહેન, લોકસભા અને રાજ્યસભામાં મણિબહેન, સરદાર પટેલનો પડછાયો મણિબહેન, મણિબહેનનું સાહિત્યિક યોગદાન... જેવા વૈવિધ્યસભર પાસાઓ આ પુસ્તકમાં આવરી લીધા છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત ગૌરવ પુરસ્કાર સહિત, વિવિધ શ્રેણીમાં પુસ્તકોને પારિતોષિક આપીને સન્માનિત કરવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાતે એમની અધ્યક્ષતામાં સાહિત્યસભાના બેનર હેઠળ ગાંધીનગરના વિવિધ સર્જકોના 25 પુસ્તકોનું લોકાર્પણ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ