સોમનાથ,27 ફેબ્રુઆરી (હિ.સ.) નટરાજ એ નૃત્યકલા અને આરાધનાના આરાધ્યદેવ ગણાય છે. મહાશિવરાત્રીના પાવન અવસરે આ નટરાજની ઉપાસના સમાન કલાથી આરાધનાના સમન્વય એવા ‘સોમનાથ ઉત્સવ’ના ત્રીજા દિવસે અંતિમ પ્રસ્તુતિમાં મેસ્ટ્રો બિક્રમ ઘોષ અને તેમની ટીમે ‘રિધમ સ્કેપ’ આલ્બમની વિવિધ કૃતિઓ રજૂ કરી સમગ્ર કલાપ્રેમી વૃંદને ઝંકૃત કર્યા હતાં.
‘ઓમ......’ના રિધમિક નાદ સાથે શરૂ કરી અને મેસ્ટ્રો બિક્રમ ઘોષ અને બેન્ડે ‘નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય....’ સહિત ભગવાન શિવ અને કૃષ્ણના જીવનકવનને આવરી લેતી સંગીતમય પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.
જોગ રાગમાં ‘ધ ડાન્સ ઓફ શિવા’, રાગ કલશ્રીમાં ‘લિટલ ક્રિષ્ના’, મિશ્ર ભૈરવી રાગમાં ‘ગંગોત્રી’ જેવી પ્રસ્તુતિઓ માણીને સમગ્ર જનતા મંત્રમુગ્ધ બની હતી. આ સાથે જ ઢાક વાદક ગોકુલ ચંદ્ર ડેએ પણ પોતાની સમગ્ર ટીમ સાથે બંગાળનું સંગીત રજૂ કરીને ઉપસ્થિત સર્વેના દિલ જીતી લીધા હતાં.
મેસ્ટ્રો બિક્રમ ઘોષની સાથે જ વીણા પર રાજેશ વૈદ્યે, ઘાટ્ટમ પર સુરેશજી, કી-બોર્ડ પર પુલક સરકારે તેમજ ડ્રમ પર પ્રણવ દત્તે સંયોજન પૂરું પાડ્યું હતું.
જેમ સૂરજ અને ધરતીના મિલનથી ક્ષિતિજનું સામંજસ્ય રચાય એ જ રીતે કી-બોર્ડ, વીણા, ઘાટ્ટમ અને ડ્રમના માધ્યમથી સૂર, તાલ અને લયબદ્ધ સંગીતનું અદભૂત સાયુજ્ય રચાયું હતું.
મેસ્ટ્રો બિક્રમ ઘોષ અને બેન્ડની પ્રસ્તુતિથી મહાશિવરાત્રિના અવસરે કલાપ્રેમી જનતાએ સંગીતની ઉર્જા અને સ્પંદનનો શાશ્વત અનુભવ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ