સુરત , 27 ફેબ્રુઆરી (હિ.સ.) આજે તા. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધો. 10 અને ધો. 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ છે. સુરતમાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આજે ધો. 10નું પ્રથમ ભાષાનું પેપર હતું. જ્યારે બપોરે 3 કલાકે સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર હતું. જોકે, વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર કરતા વધુ ગરમી, મેટ્રોની કામગીરીના લીધે ઠેરઠેર તૂટેલા રસ્તા, બેરિકેડિંગ અને ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થયા હતા.
જીવનમાં પહેલીવાર બોર્ડની પરીક્ષા આપી રહેલાં ધો. 10ના વિદ્યાર્થીઓને આજે પહેલાં દિવસ ભારે નર્વસ દેખાતા હતા. જોકે, પ્રથમ ભાષા ગુજરાતીનું આજનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષા આપ્યા બાદ બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી દેખાતી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પ્રશ્નો ખૂબ જ સરળ પૂછાયા હતા. પેપરમાં બહારથી કશું પુછાયું નહોતું. પર્યાવરણ બચાવો, નારી તુ નારાયણી અને માતૃભાષાનું મહત્ત્વ તે વિષય પર નિબંધ પુછાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે