- કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને કિશન રેડ્ડીએ તેલંગાણાના કાઝીપેટ ખાતે રેલ્વે ઉત્પાદન એકમની મુલાકાત લીધી
વારંગલ, નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ, શનિવારે કાઝીપેટ ખાતે રેલ્વે ઉત્પાદન એકમની મુલાકાત લીધી.
આ પ્રસંગે પત્રકારોને સંબોધતા, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કાઝીપેટ ખાતે મેગા રેલ્વે ઉત્પાદન એકમ 521 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે ઉત્પાદન એકમમાં સિવિલ બાંધકામ કાર્ય ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે સમગ્ર પ્રોજેક્ટ 2026 ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રીએ કહ્યું કે, આ ઉત્પાદન એકમમાં અપાર ક્ષમતા છે અને તે કોચ, એન્જિન અને મેટ્રો ટ્રેનોના ઉત્પાદન માટે લવચીક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ઉત્પાદન એકમમાં કામની પ્રગતિથી ખુશ છે. તેમણે કહ્યું કે, ભારત ટૂંક સમયમાં એક વિશાળ રેલ્વે ઉત્પાદન અને રેલ્વે નિકાસકાર દેશ બનશે.
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ, તેલંગાણા રાજ્યના લોકોના લાંબા સમયથી રાહ જોવાતા સ્વપ્નને પૂર્ણ કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, કાઝીપેટમાં બનનાર રેલ્વે ઉત્પાદન એકમ નવીનતમ ટેકનોલોજીથી સજ્જ હશે અને તે ફક્ત કોચ જ નહીં પરંતુ એન્જિન પણ બનાવશે.
તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટથી લગભગ 3,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. આ ઉપરાંત, તેલંગાણા રાજ્યમાં 40 રેલ્વે સ્ટેશનોનો પુનઃવિકાસ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ થઈ રહ્યો છે, જેમાંથી તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા વારંગલ અમૃત સ્ટેશન સહિત 3 સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે. પ્રધાનમંત્રી અને રેલ્વે મંત્રીના નેતૃત્વમાં, તેલંગાણા રાજ્યમાં રેલ્વે માળખાગત સુવિધાઓ અભૂતપૂર્વ વિકાસ જોઈ રહી છે, પછી ભલે તે વંદે ભારત ટ્રેનો, વીજળીકરણ, નવી ટ્રેનો, અમૃત ભારત યોજના રેલ્વે સ્ટેશન પુનઃવિકાસ વગેરે હોય.
અગાઉ, બંને કેન્દ્રીય મંત્રીઓએ રેલ્વે ઉત્પાદન એકમમાં ચાલી રહેલા બાંધકામ કાર્યનું નિરીક્ષણ કર્યું. તેમણે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી અને બાંધકામ સ્થળ પર સલામતી પાસાઓનું નિરીક્ષણ કર્યું.
દક્ષિણ મધ્ય રેલ્વેના જનરલ મેનેજર સંજય કુમાર શ્રીવાસ્તવ, સિકંદરાબાદ ડિવિઝન ડિવિઝનલ રેલ્વે મેનેજર ભારતેશ કુમાર જૈન, દક્ષિણ મધ્ય રેલ્વેના મુખ્ય વિભાગીય વડાઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / નાગરાજ રાવ / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ