વડોદરા, 20 જુલાઈ (હિ.સ.)- વડોદરા નજીકના હિંગલોટ ગામે આજે બપોરે એક કરૂણ અકસ્માતમાં 9 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે તેનો સાથીમિત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે. બંને બાળક સ્કૂલે થી છૂટ્યા પછી સાઇકલ પર ફરવા નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો.
હર્ષિલ અમિતભાઈ પરમાર (ઉ.વ. 9) પોતાની સાઇકલ ચલાવી લકડીકૂઈ ગામ તરફ જઈ રહ્યો હતો અને પાછળ તેની સાઇકલ પર હેતકુમાર મુકુંદભાઈ પરમાર (ઉ.વ. 8) બેઠો હતો. તે દરમિયાન હિંગલોટથી આવતા એક ડમ્પરે તેમને અડફેટે લેતા બંને બાળકો રોડ પર પટકાયા.
અફસોસજનક રીતે, રોડ પર પડેલા હર્ષિલને ડમ્પરનું પાટું ફરી જતા તેનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. હેતકુમારને ડાબા પગમાં ફ્રેક્ચર આવી ચોટ પહોંચી છે.
તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ડમ્પર ચલાવતા કિરણ રણજીતભાઈ પરમાર (રહે. હિંગલોટ ગામ) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડમ્પર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે