ભુજ - કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : છેલ્લા કેટલાક સમયથી કચ્છના મુખ્ય શહેરો ભુજ અને ગાંધીધામમાં ટ્રાફિકની સમસ્યાએ જાણે ઉપાડો લીધો હોય તેમ સ્થિતિ સર્જાઇ છે. ભુજમાં વર્ષોથી ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન છે. વરસાદ અને તહેવારોની દરમિયાન મુખ્ય માર્ગો ઉપર ભારે ટ્રાફિક સર્જાતો હોય છે. આ લોકફરિયાદોને લાંબા સમયે તંત્ર સુધી પહોંચાડાઇ છે. કચ્છના સાંસદે ભુજમાં ટ્રાફિક નિયમન અને ગાંધીધામના ધારાસભ્યે ટ્રાફિક નિવારણ માટે જિલ્લા વહીવટી તંત્રને કલેકટરની સંકલન બેઠકમાં સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓ અંતર્ગત સંબંધિત ખાતાના અધિકારીઓને ઉકેલ લાવવા પ્રભારી સચિવ, જિલ્લા સમાહર્તાએ તાકીદ કરી છે.
પ્રભારી સચિવે માળખાકિય સુવિધાઓની વિગતો મેળવી
કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. પ્રભારી સચિવ પટેલે માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે, જીએસઆરડીસી, હેલ્થ અને આંગણવાડીના અધિકારીઓ પાસેથી હયાત જાહેર માળખાકીય સુવિધાઓ અંગેની વિગતો મેળવી હતી.
સાંસદે રસ્તાના કામો ત્વરિત પૂર્ણ કરવા જણાવ્યું
સાંસદ વિનોદ ચાવડાએ રસ્તાના રીપેરીંગ કામો ત્વરિત રીતે પૂર્ણ કરવા અને તેને લઈને ચોક્કસ આયોજન કરવા મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત સાંસદએ ભુજમાં ભારે વાહનોના નિયમન અંગે રજૂઆત કરી હતી.
આ ત્રણ ધારાસભ્યે પોતાના વિસ્તારના પ્રશ્નો મૂક્યા
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ અકસ્માત વીમા યોજના, પાક ધિરાણ, નખત્રાણા ખાતે જાબરી ડેમ નિર્માણ, દયાપર સરકારી કોલેજ, જ્યારે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા વનવિભાગની રોપા વિતરણ અને ઉછેરની કામગીરી, ભારાપર બળદિયા કેરા બાયપાસ, ભચાઉ હાઈવે ઉપર બ્રીજ અને અન્ડરબ્રીજ કે ક્રોસિંગ વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ, ઓવરબ્રીજની કામગીરી અને આંગણવાડી માટે જમીન ફાળવણી વગેરે બાબતે મૌખિક પ્રશ્નોની રજૂઆત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA