ભુજ - કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : ભુજમાં એકલા રહેતાં નિવૃત્ત શિક્ષિકાને પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી મનીલોડરિંગનો કેસ થયાની ધમકી આપી બે દિવસ સુધી મોબાઈલના કેમેરામાં સામે રાખી, ડિજિટલ એરેસ્ટ કરી ૭૬ લાખની ઓનલાઈન છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ છે. બેન્ક ખાતાની માહિતી ડરાવી ધમકાવીને મેળવી લીધી હતી.
સાયબર પોલીસમાં જણાવાઇ સિલસિલાબંધ વિગતો
આ અંગે બોર્ડર રેન્જ-ભુજના સાયબર પોલીસ મથકે મૂળ હિરાણીનગર માધાપર હાલે બેન્કર્સ કોલોની ભુજ રહેતાં 64 વર્ષિય નિવૃત્ત શિક્ષિકા ગિરિજા લિંકન ટેનને ફરિયાદ નોંધાવી છે. તા. 16-7ના બપોરે કોઈ સ્ત્રીનો ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારાં નામનું સીમકાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં છે. કઇ પ્રવૃત્તિ છે તે જાણવા 9 દબાવો.
કેનેરા બેંકની વિગતોના નામે ઠગાઇ
ફરિયાદીએ નવ દબાવતા જ સામેથી હિન્દીમાં પોતે કોલાબા પોલીસ સ્ટેશન મુંબઈથી બોલતો હોવાનું જણાવી કહ્યું કે, તમારાં નામે કેનેરા બેન્કમાં ખાતું મળેલું છે, જેમાં અનેક વ્યવહારો થયા છે, જેના કારણે મનીલોડરિંગનો કેસ થયો છે.
છ કરોડના વ્યવહારો કરાયા હોવાની આપી ધમકી
તાત્કલિક અહીં આવો..... ફરિયાદીએ કહ્યું હું અત્યારે ભુજ-ગુજરાત છું. તાત્કાલિક નહીં આવી શકું કહી ફોન કટ કરી દીધો હતો. થોડીવાર બાદ વોટ્સએપ પર કોલાબા પોલીસ સ્ટેશનથી હોવાનું જણાવી કહ્યું કે, તમારા નામનાં બેન્ક ખાતામાં છ કરોડના વ્યવહાર થતાં મનીલોંડરિંગનો કેસ થયો છે. તમારાં નામે ખરીદેલાં સીમકાર્ડથી નરેશ ગોયલ સાથે વાતચીત થઈ છે જે કેસનો મુખ્ય આરોપી છે તેણે અન્ય વ્યક્તિઓ સાથે ફ્રોડ કર્યો છે.
ફોન કટ ન કરવા સતત સૂચના
આ ઓનલાઈન ઠગબાજે ફોન કટ નહીં કરવા જણાવી કહ્યું કે, ફોન કટ કરશો તો તમારું સીમકાર્ડ બંધ થઈ જશે. આ બાદ સંપત્તિની વિગતો જાણી એફ.ડી.ની વિગતોથી ફરિયાદી એકલી જ સિનિયર સિટિઝન હોવાનું જાણી લીધું હતું.
કોર્ટના હુકમો બતાવ્યા, પૈસા ટ્રાન્સફર કરાવ્યા
વિવિધ કોર્ટના હુકમો બતાવી બે દિવસ સુધી સતત કેમેરામા ઓનલાઈન રહેવા ડિજિટલ એરેસ્ટ કરી બચાવને બહાને હરિયાદીના બેન્કના ખાતાની વિગતો મેળવી અલગ-અલગ ખાતામાંથી કુલ મળીને રૂા. 76 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. ફરિયાદી આ ઠગબાજોથી ડરી ગયાં હોવાથી તેમના કહેવા મુજબ કરતાં જતાં હતાં.
પુત્રને ઇમેઇલ જતાં થયો પર્દાફાશ
એક ટ્રાન્જેક્શનનો મેઈલ કે મેસેજ ફરિયાદીના બેંગલોર રહેતા દીકરા નીલને મળતા ફોન કરતાં મહિલાએ વિગતો જણાવી હતી. આ દરમિયાન નીલે તેના મિત્ર દીપક ખાખલાને કહ્યું અને દીપકના પિતા રૂબરૂ પરે આવતા વિગતો જાથી ફરિયાદીને જણાવ્યું કે, તમારી સાથે ફ્રોડ થયો છે. ત્યારબાદ ફરિયાદ નોંધાવાઇ હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA