પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : પાટણ એસઓજી પોલીસે સિદ્ધપુરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થની હેરાફેરી કરતા એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસએ એક પેસેન્જર રિક્ષામાંથી ૩.૨૨૮ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૩૨,૨૮૦ જેટલી છે.
આ કેસમાં સંજયજી ઇશ્વરજી રવાજી ઠાકોર (ઉ. ૩૩, રહે. મેસરા ગામ, ચાણસ્મા)ની ધરપકડ કરવામાં આવી છે. તે GJ-24-W-7940 નંબરની પોતાની રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો હતો. પોલીસે તેની પાસેથી ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન (રૂ. ૫,૦૦૦) અને રિક્ષા (રૂ. ૨,૦૦,૦૦૦) સહિત કુલ રૂ. ૨,૩૭,૨૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બીજો આરોપી શાંતિલાલ, જે પોશીના નજીકના માડવા ગામનો રહેવાસી છે, હાલમાં ફરાર છે. તેણે સંજયજીને ગાંજાનો જથ્થો આપ્યો હતો. આ કેસમાં સિદ્ધપુર પોલીસે NDPS એક્ટની કલમ ૮(C), ૨૨(B), ૨૦(b)(ii)(b) અને ૨૯ હેઠળ ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર