અમરેલી 20 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના જાળીગા ગામે આવેલ ધી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં તાજેતરમાં તોડફોડની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ અજાણ્યા ઇસમોએ બેંકની અંદર ઘૂસી જઈને બેંકની મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. બેંક મેનેજર દ્વારા ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસને ગંભીરતાપૂર્વક લેતા અમરેલી એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ)ની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબીની ટીમે માહિતગત સ્થળે દરોડા પાડીને તોડફોડની ઘટના સંડોવાયેલા ત્રણ આરોપીઓને શોધી કાઢી તેમની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને આરોપીઓ પાસેથી વધુ પુછપરછ કરીને અન્ય સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેંકની સુરક્ષા વ્યવસ્થાને દૃઢ બનાવવા માટે તેમજ આવી બનાવનાઓની પુનરાવૃતિ ન થાય તે માટે વિસ્તૃત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એલસીબીની ઝડપી કાર્યવાહી અને સફળતા બદલ સ્થાનિક નાગરિકોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek