પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના રેલવે ગરનાળા વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે અથડામણ થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી ઘટનાથી સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભય વ્યાપી ગયો હતો. લોકોએ લાકડીઓના સહારે આખલાઓને હાંકીને બહાર કાઢ્યા બાદ જ તેમને થોડી રાહત મળી હતી.
આ ઘટના બાદ નગરપાલિકાની રખડતા ઢોર નિયંત્રણ વ્યવસ્થા સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાટણ શહેરમાં જાહેર રસ્તાઓ પર વારંવાર આવો જ રખડતા ઢોરનો ઉપદ્રવ જોવા મળતો હોવાથી લોકોનું કહેવું છે કે પાલિકા માત્ર કાગળ પર જ કામગીરી બતાવે છે.
શહેરમાં ઢોર પકડવાની કામગીરી અસરકારક સાબિત ન થવા સાથે આવી ઘટનાઓ લોકોની સલામતી માટે ગંભીર પડકાર બની રહી છે. નગરજનોમાં આ મામલે ભારે અસંતોષ છે અને તેઓ અસરકારક પગલાંની માંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર