મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.)
મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલી તાલીમમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાંથી આવેલ ખેતીવાડી વિભાગના વિસ્તરણ કર્મચારીઓને અટલ ભૂજલ યોજના અંતર્ગત ભૂગર્ભ જળ સંરક્ષણ અને પિયત પાણીના કાર્યક્ષમ ઉપયોગ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ દરમિયાન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પાણી સંરક્ષણ, ચેકડેમ, વરસાદી પાણીના રિચાર્જ, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, compost પીટ, સોક પીટ જેવી યોજનાઓ અને જળસંચયમાં લોકભાગીદારીના મુદ્દાઓને સ્પર્શવામાં આવ્યા.
ખેતીમાં ઓછા પાણીથી વધુ ઉત્પાદન મળતું રહે તે દિશામાં પ્રાકૃતિક ખેતી અને ઓછા પાણીમાં થનારા પાકોની માહિતી પણ આપવામાં આવી. ગ્રામ પંચાયત કક્ષાએ ખેડૂતો અને ખાસ કરીને મહિલાઓની સહભાગિતાથી આયોજન કરવામાં આવેલી આ તાલીમમાં 150 જેટલા વિસ્તરણ કર્મચારીઓએ હાજરી આપી હતી. તાલીમના અંતે જળસંચયને ગતિ આપતા ઉપાયો અપનાવી ગ્રામ્ય વિસ્તારોમાં જળ વ્યવસ્થાપનના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR