


અમદાવાદ,02 ફેબ્રુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંત રોહિતદાસ જન્મજયંતિ નિમિતે સાબરમતી ભાગમાં પથસંચલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર
મકવાણાએ હાજરી આપી હતી.
પોતાના વક્તવ્યમાં તેમણે બાબાસાહેબ આંબેડકરજી, સંત રવિદાસજી તેમજ સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કર્યા અને સમાજને સમાનતા, સેવા અને રાષ્ટ્રભાવના તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે ભારતીય સમાજના કુશળ સંગઠક એવા બે ડોકટરો એવા ડો.કેશવ બલીરામ હેડગેવાર અને બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકર એ હિન્દુ સમાજને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
કાર્યક્રમના મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલે આજના સમયગાળામાં સામાન્ય માણસના જીવનમાં દેશના મૂલ્યોના સંવર્ધનની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પંચ પરિવર્તન વિષયની વિસ્તૃત માહિતી આપી હતી અને કહ્યું હતું કે ભારત જ્યારે 2047માં પોતાના સ્વતંત્રતાની શતાબ્દી મનાવશે ત્યારે સંઘના શતાબ્દી વર્ષમાં લીધેલ પંચ પરિવર્તનનો સંકલ્પ પણ પૂર્ણ થયો હશે.
પથસંચલન દરમિયાન નવા ચાંદખેડામાં સ્થિત બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને સંઘના અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પથ સંચલન કરી સ્વયંસેવકો પરત મેદાનમાં આવ્યા હતા, જ્યાં સંત રોહિતદાસની છબીને ફૂલ પુષ્પ અર્પણ કરી કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર પથસંચલન કાર્યક્રમમાં સાબરમતી ભાગના 400 જેટલા સ્વયંસેવક ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા, સંચલન માર્ગમાં સમાજન લોકો દ્વારા પુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ