
- ભાવનગરના મેથાળા બંધારાની કામગીરીથી ક્ષાર નિયંત્રણની સાથે 10 ગામની 6550 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે:- વન અને પર્યાવરણ પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા
- મેથાળા બંધારા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૮૫ કરોડની વહીવટી મંજૂરી અપાઇઃ- જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ભાવનગર/ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સતત માર્ગદર્શન હેઠળ વન વિભાગ અંતર્ગત આવતા વર્ષોથી પડતર એવા ભાવનગરના મેથાળા બંધારાના પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો છે. ભાવનગરના મેથાળા બંધારાની કામગીરીથી ક્ષાર નિયંત્રણની સાથે તેમાં વરસાદી પાણી સંગ્રહ થવાથી 10 ગામની 6550 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ મેથાળા બંધારાની જગ્યાએ વન વિભાગને વલ્લભીપુરના મોણપુર ખાતે 598.2427 હેક્ટર બિન જંગલ જમીન ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતો તેમજ ગામજનોને ખૂબ મોટો ફાયદો થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
મંત્રી મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મેથાળા ગામ પાસે બગડ નદી ઉપર બંધારાની મહત્વાકાંક્ષી યોજનામાં વન વિભાગી કુલ 598.2427 હેક્ટર જમીન ડુબાણમાં જાય છે. આ પરિયોજના માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીના ભાગરૂપે સૈદ્ધાંતિક મંજૂરી તા. 15 માર્ચ 2024ના રોજ આપવામાં આવી હતી. તેની સામે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામના સર્વે નં 515/1 ની 598.2427 હેક્ટર બિન જંગલ જમીન વન વિભાગને ફાળવવામાં આવી છે. આ જમીન રાજ્યના પ્રસિદ્ધ ‘વેળાવદર નેશનલ પાર્ક’ની નજીક હોવાથી કાળીયાર અને અન્ય વન્યજીવો માટે મહત્વના હેબીટાટ તરીકે ઉપયોગી બની રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તળાજા તાલુકાની મેથાળા બંધારા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 285 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વર્ષોથી પડતર મેથાળા બંધારા યોજનાની કામગીરી આ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ માટે ખૂબ અગત્યની છે. આ યોજનાથી અંદાજે 655 મીટર ઘનફૂટ વરસાદી પાણી સંગ્રહ થવાથી 10 ગામો સાથે 6550 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે એટલું જ નહીં પરંતુ ભૂગર્ભજળ રીચાર્જ થવાની સાથે કૂવા-બોરવેલમાં પાણીના સ્તર ઉંચા આવશે. વધુમાં બંધારાના કારણે દરિયાઈ પાણી આગળ વધતું રોકાવાથી આ વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ પણ આગળ વધતું અટકશે જેથી આ વિસ્તારના ખેડૂતો માટે આ પરિયોજના આશીર્વાદ સમાન બની રહેશે. ટેન્ડરની કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે બે વર્ષમાં આ યોજના પૂર્ણ કરવામાં આવશે તેમ, મંત્રી પટેલે ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ