સુરતમાં મેટ્રો ડેપોમાંથી રૂ. 31.68 લાખની કોપર કેબલ ચોરી કેસ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા
સુરત, 12 માર્ચ (હિ.સ.)-સુરત શહેરમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટ વચ્ચે તસ્કરોએ હવે સરકારી પ્રોજેક્ટના કિંમતી સામાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ભેસાણ મેટ્રો ડેપોમાંથી રૂ. 31.68 લાખની કોપર કેબલ ચોરી થયેલા કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી બે આ
સુરતમાં મેટ્રો ડેપોમાંથી રૂ. 31.68 લાખની કોપર કેબલ ચોરી કેસ ઉકેલાયો


સુરત, 12 માર્ચ (હિ.સ.)-સુરત શહેરમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટ વચ્ચે તસ્કરોએ હવે સરકારી પ્રોજેક્ટના કિંમતી સામાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ભેસાણ મેટ્રો ડેપોમાંથી રૂ. 31.68 લાખની કોપર કેબલ ચોરી થયેલા કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી રૂ. 1 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીમાં ભંગારના વેપારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે, જેણે ચોરી કરાયેલા કોપર કેબલને ઠેકાણે પાડવામાં મદદ કરી હતી.

પકડાયેલા આરોપીઓમાં મનીષ હામિદ શેખ (ઉંમર 21), જે મૂળ રાજસ્થાનના ભરતપુરનો રહેવાસી છે અને હાલ ભેસાણ વિસ્તારમાં રહી ભંગારનો વેપાર કરે છે, તથા વણકર સવસિંગભાઈ કટારા (ઉંમર 24), જે મૂળ દાહોદનો રહેવાસી છે અને મજૂરી કામ કરે છે, નો સમાવેશ થાય છે.

પોલીસ મુજબ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મનીષ શેખ સામે અગાઉ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે વણકર કટારા પણ ઈચ્છાપોર વિસ્તારમાં લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસને આશંકા છે કે આ ગેંગમાં હજુ પણ કેટલાક રીઢા ગુનેગારો અને મજૂરો સામેલ હોઈ શકે છે, જેમણે ડેપોની અંદરની માહિતી આરોપીઓને પૂરી પાડી હતી. હાલ પોલીસ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી તેજ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande