આઈપીએલ 2026: ગુજરાત ટાઇટન્સની સતત ચોથી જીત, રાજસ્થાનને 77 રને હરાવ્યું
જયપુર, નવી દિલ્હી, 10 મે (હિ.સ.). ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવીને આઈપીએલ 2026માં સતત ચોથી જીત નોંધાવી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 229 રનનો વિશાળ સ્કોર ખડો
આઈપીએલ 2026: ગુજરાત ટાઇટન્સની સતત ચોથી જીત, રાજસ્થાનને 77 રને હરાવ્યું


જયપુર, નવી દિલ્હી, 10 મે (હિ.સ.). ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવીને આઈપીએલ 2026માં સતત ચોથી જીત નોંધાવી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 229 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો અને ત્યારબાદ બોલરોના જોરે રાજસ્થાનને સંપૂર્ણપણે દબાણમાં લાવી દીધું હતું.

રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ગુજરાતના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર અડધી સદી ફટકારી હતી. તો બીજી તરફ સાઈ સુદર્શને 36 બોલમાં 55 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.

રાજસ્થાન તરફથી યુવા બોલર બ્રિજેશ શર્માને બે વિકેટ મળી હતી, પરંતુ અન્ય બોલરો ગુજરાતના બેટ્સમેનોને રોકવામાં સફળ રહ્યા નહોતા.

230 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી અને 16.3 ઓવરમાં 152 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાનનો કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહોતો. રવીન્દ્ર જાડેજાએ 38 રન બનાવીને ટીમ તરફથી સૌથી વધુ યોગદાન આપ્યું હતું, જ્યારે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 36 રનની ઝડપી ઇનિંગ રમી હતી.

ગુજરાતની જીતમાં રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને રાજસ્થાનની બેટિંગની કમર તોડી નાખી હતી. જેસન હોલ્ડરે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે કગિસો રબાડાને 2 અને મોહમ્મદ સિરાજને એક વિકેટ મળી હતી.

આ જીતની સાથે ગુજરાત ટાઇટન્સે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે, જ્યારે સતત ખરાબ પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સની ચિંતા વધી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande