
રાયપુર, નવી દિલ્હી, 10 મે (હિ.સ.): રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ, આઈપીએલ 2026 ના અત્યંત રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) ને 2 વિકેટથી હરાવીને પ્લેઓફ તરફ મજબૂત ડગલું ભર્યું છે. રાયપુરમાં રમાયેલી આ લો-સ્કોરિંગ પરંતુ હાઈ-વોલ્ટેજ મેચમાં બેંગ્લોરે અંતિમ બોલ પર 167 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ હારની સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. સતત બે હાર બાદ આરસીબીની આ શાનદાર વાપસી રહી અને ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી. ટીમે માત્ર ત્રણ ઓવરની અંદર પોતાની શરૂઆતની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ સહિત ત્રણ બેટ્સમેનોને વહેલા આઉટ કરીને મુંબઈને દબાણમાં લાવી દીધું હતું. જોકે રોહિતે 10 બોલમાં 22 રનની આક્રમક ઇનિંગ રમી હતી.
ત્યારબાદ નમન ધીર અને તિલક વર્માએ ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 82 રનની મહત્વની ભાગીદારી થઈ, જેના કારણે મુંબઈ 100 રનને પાર કરી શક્યું. નમન અર્ધશતક ચૂકી ગયો, જ્યારે તિલક વર્માએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. પરંતુ 18મી ઓવરમાં ભુવનેશ્વરે તિલકને આઉટ કરીને મુંબઈની રફ્તાર રોકી દીધી હતી. મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 166 રન જ બનાવી શકી હતી. ભુવનેશ્વરે 4 વિકેટ ઝડપીને મેચનો પલટો ફેરવી નાખ્યો હતો.
લક્ષ્યાંકનો પીછો કરતા બેંગ્લોરની શરૂઆત પણ ખરાબ રહી હતી. વિરાટ કોહલી સતત બીજી મેચમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. દીપક ચાહરે શરૂઆતી ઝટકા આપીને આરસીબીને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. ત્યારબાદ કૃણાલ પંડ્યા અને જેકબ બેથલે ઇનિંગ સંભાળી હતી. બેથલ આઉટ થયા પછી પણ કૃણાલ ટકી રહ્યો અને માત્ર 32 બોલમાં અર્ધશતક પૂર્ણ કર્યું.
છેલ્લી ઓવરમાં આરસીબીને 15 રનની જરૂર હતી. મુકાબલો સતત પલટાતો રહ્યો. રોમારિયો શેફર્ડ આઉટ થયા પછી પણ બેંગ્લોરે હિંમત હારી નહીં. ભુવનેશ્વરે દબાણમાં સિક્સર ફટકારી અને અંતિમ બોલ પર રસિખ સલામે 2 રન લઈને ટીમને યાદગાર જીત અપાવી હતી.
કૃણાલ પંડ્યાની 73 રનની મેચ વિનિંગ ઇનિંગ અને ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગ આ જીતનું સૌથી મોટું કારણ રહ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ