હત્યાના આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો
સુરત, 11 મે (હિ.સ.) સુરત શહેરમાં 36 કલાકના ગાળામાં બીજી ‘હાફ એન્કાઉન્ટર’ જેવી ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં 10 મેની રાત્રે નજીવી બોલાચાલીમાં 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા મારી હત્યા કરનાર આરોપી રાહુલ જોગીને પકડવા ગયેલી પ
पुलिस पर हमला करने वाले आरोपित के पैर में लगी गोली


સુરત, 11 મે (હિ.સ.) સુરત શહેરમાં 36 કલાકના ગાળામાં બીજી ‘હાફ એન્કાઉન્ટર’ જેવી ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં 10 મેની રાત્રે નજીવી બોલાચાલીમાં 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા મારી હત્યા કરનાર આરોપી રાહુલ જોગીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ હુમલો કરતા પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કરવું પડ્યું હતું.ફાયરિંગ દરમિયાન આરોપીના જમણા પગમાં ગોળી વાગતા તે ઘાયલ હાલતમાં ઝડપાઈ ગયો હતો.

માહિતી મુજબ હત્યા બાદ ફરાર થયેલા રાહુલ જોગીની શોધખોળ માટે લિંબાયત પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠીખાડી વિસ્તારમાં છુપાયો છે. પોલીસ ટીમ તેને ઝડપી લેવા પહોંચી ત્યારે આરોપીએ ચપ્પુ વડે હુમલો શરૂ કર્યો હતો.

આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આરોપી ફરી હુમલો કરવા દોડ્યો હતો, જેથી લિંબાયત પીઆઈ ડી.ડી. ચૌહાણે આત્મરક્ષા માટે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક ગોળી આરોપીના જમણા પગમાં ઘૂંટણની નીચે વાગતા તે નીચે ઢળી પડ્યો હતો.

પીઆઈ ડી.ડી. ચૌહાણે જણાવ્યું હતું કે આરોપી સતત આક્રમક બની પોલીસ ટીમ પર હુમલો કરી રહ્યો હતો, જેથી પોલીસ અને સ્ટાફની સુરક્ષા માટે ફાયરિંગ કરવું જરૂરી બન્યું હતું.

પોલીસે ઘાયલ આરોપીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યારે ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને ગોધાદરાની સનરાઇઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી દુખાવાથી કરૂણ ચીસો પાડી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મૃતક અનુરાગ પોતાના મિત્ર સાથે મોબાઈલ દુકાનનું પેમેન્ટ લેવા જઈ રહ્યો હતો ત્યારે ગણેશનગર વિસ્તારમાં આરોપીએ તેને રોકી છાતીમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. આરોપી સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 17 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande