2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
- 11 આરોપીઓને આજીવન કેદ; ટ્રાયલ કોર્ટના ઐતિહાસિક જજમેન્ટ પર હાઈકોર્ટે લગાવી મહોર ગાંધીનગર, 07 જુલાઈ (હિ.સ.) ગુજરાતના ઈતિહાસના સૌથી ભયાવહ અને કાળજું કંપાવી દેનારા 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અન
2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત


- 11 આરોપીઓને આજીવન કેદ; ટ્રાયલ કોર્ટના ઐતિહાસિક જજમેન્ટ પર હાઈકોર્ટે લગાવી મહોર

ગાંધીનગર, 07 જુલાઈ (હિ.સ.) ગુજરાતના ઈતિહાસના સૌથી ભયાવહ અને કાળજું કંપાવી દેનારા 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલત (ટ્રાયલ કોર્ટ) ના આદેશને માન્ય રાખતા 38 આરોપીઓની ફાંસીની સજા યથાવત રાખી છે, જ્યારે અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. દેશના ન્યાયિક ઈતિહાસમાં આ એક જ કેસમાં આટલી મોટી સંખ્યામાં ફાંસીની સજા મંજૂર રાખવાનો રેકોર્ડબ્રેક અને ઐતિહાસિક ચુકાદો ગણાશે.

ટ્રાયલ કોર્ટે ફેબ્રુઆરી 2022માં આપેલા વિરલ નિર્ણયને હાઈકોર્ટે કાયદેસર રીતે માન્ય રાખ્યો છે. 38 આતંકીઓને ફાંસીનો ફંદો અને 11 આતંકીઓને આજીવન કેદ (જીવનના અંતિમ શ્વાસ સુધી). આતંકીઓએ આખા અમદાવાદને સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી ધણધણાવી મૂક્યું હતું, જેમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા.

26 જુલાઈ, 2008ના એ કાળા દિવસે અમદાવાદ શહેરમાં માત્ર 70 મિનિટના ગાળામાં 21 જેટલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ આતંકી હુમલામાં 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 200 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આતંકીઓએ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરને પણ નિશાન બનાવ્યું હતું, જ્યાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી હતી.

ન્યાયમાં મોડું ભલે થયું, પણ ન્યાય ચૂકવાયો નથી. હાઈકોર્ટનો આ ચુકાદો આતંકવાદ સામે દેશની ઝીરો ટોલરન્સ નીતિ અને પીડિત પરિવારો માટે આશ્વાસન સમાન છે.

આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. વર્ષો સુધી ચાલેલી લાંબી કાનૂની પ્રક્રિયા, સેંકડો સાક્ષીઓની જુબાની અને મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ટ્રાયલ કોર્ટે આકરો ચુકાદો આપ્યો હતો, જેને આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે, હાઈકોર્ટે ગુનાની ગંભીરતા અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ દલીલો ફગાવી દીધી છે અને ન્યાયની જીત થઈ છે. આ ચુકાદા બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે અને પીડિત પરિવારોએ આ ઐતિહાસિક જજમેન્ટને આવકાર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande