
સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-ઓનલાઇન બિઝનેસ પ્લેટફોર્મ ‘ઇન્ડિયા માર્ટ’નો દુરૂપયોગ કરીને સુરત, વડોદરા અને ચેન્નાઇના વેપારીઓ સાથે 50 લાખથી વધુની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી ભુપેન્દ્ર અમૃતલાલ પંચાલને ઉધના પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધો છે. આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો અને ટેક્નિકલ તથા માનવીય ગુપ્તચર માહિતીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભુપેન્દ્ર પંચાલ અને તેના સાથી વિજય મફતલાલ પંચાલે “વી.ટેક” નામની ખોટી કંપની ઉભી કરી હતી. આ કંપનીનું સરનામું વાપી, સેલવાસ રોડ પર આવેલા સોનોરસ બિઝનેસ પાર્કમાં બતાવવામાં આવ્યું હતું, જેથી વેપારીઓમાં વિશ્વાસ ઊભો થાય. બંનેએ આ ફર્મના નામે વિવિધ શહેરોના સપ્લાયરો સાથે માલસામાનની ડીલ કરી હતી.
આરોપીઓએ ‘ઇન્ડિયા માર્ટ’ પર પોતાને વિશ્વાસપાત્ર વેપારી તરીકે રજૂ કરીને સુરત, વડોદરા અને ચેન્નાઇના વેપારીઓ પાસેથી કોપર ઇલેક્ટ્રિક કેબલ, બેરીંગ, એમ.એસ./એસ.એસ. પાઇપ અને ફીટીંગ જેવી સામગ્રી મંગાવી હતી. કુલ 50 લાખથી વધુનો માલ મેળવી લીધા બાદ બંનેએ ચુકવણી કર્યા વિના ગાયબ થઈ ગયા હતા અને કંપનીનું ઠેકાણું પણ બંધ કરી દીધું હતું.
વેપારીઓ દ્વારા છેતરપિંડીની ફરિયાદ મળ્યા બાદ ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મુખ્ય આરોપી ભુપેન્દ્ર પંચાલને મુંબઈમાંથી ઝડપ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ધરપકડ માત્ર એક છેતરપિંડીનો ઉકેલ નથી, પરંતુ દેશભરના વેપારીઓ માટે ચેતવણી સમાન છે કે ઓનલાઈન B2B પ્લેટફોર્મ પર ડીલ કરતા પહેલાં પૂરતી ચકાસણી કરવી અનિવાર્ય છે.
હાલમાં પોલીસ સહ-આરોપી વિજય પંચાલની શોધખોળ કરી રહી છે અને છેતરપિંડીમાં ગયેલા માલની રિકવરી માટે વધુ તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે