જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકારના નાણા મંત્રાલયના નિર્દેશ મુજબ જામનગર જિલ્લાની લીડ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જે જે ખાતામાં ક્લેઈમ ન થયો હોય, તેવા ખાતાઓની મુડી જે તે પરિવારોને શોધીને પરત આપવાનો કેમ્પ યોજયો હતો. જેમાં લાખો રૂપિયાની રોકડ અને વસ્તુઓ લોકોને પરત અપાઈ હતી.
તા. 18મી ઓક્ટોબરના રોજ લીડ બેન્ક દ્વારા ટાઉનહોલમાં (ડીપોઝિટર એજ્યુકેશન અવેરનેસ ફંડઝ ક્લેઈમ્સ) એટલે કે, તમારી મુડી તમારો અધિકાર શિર્ષક હેઠળ એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જિલ્લાની તમામ બેન્કો અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ સ્ટોલ્સ ઉપર જામનગર જિલ્લાના નાગરિકોને તેની ક્લેઈમ ન કરેલી ડિપોઝિટો, જૂના ખાતા વિશે માહિતી અપાઈ હતી. તેમજ જરુરી ચકાસણી અને સ્થળ ઉપર જ તાત્કાલિક નિવારણ માટે સચોટ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પનો જામનગર જિલ્લાના 120 નાગરિકોએ લાભ લીધો હતો.
આ અભિયાનના ફળ સ્વરૂપે કુલ ૫૫ ખાતા ધારકોના રૂ.52 લાખ 18,245ના કોઈમ આવ્યા હતા. જેમાંથી ૩૦ ખાતા ધારકોને તેના રૂ. 30 લાખ 8,512ની અન ક્લેઈમ્ડ રકમ તથા એકાઉન્ટ સબંધિત માહિતી મેળવવામાં અને જરુરી પક્રિયા પુર્ણ કરવામાં મદદ મળી હતી.
આ કેમ્પ લીડ બેન્કના મેનેજર પ્રદિપ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.આ કેમ્પમાં નિવાસી નાયબ કલેક્ટર ભાવેશ ખૈર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ શ્રીવાસ્તવ, બેન્ક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર શાહા સહિતના બેન્ક અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt