


મહેસાણા, 20 ઓક્ટોબર (હિ.સ.): દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસરે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે આજે અદ્ભુત પરંપરાનું પાલન થયું. મા બાળા બહુચરને દોઢ કિલોથી પણ વધુ વજન ધરાવતો સોનાનો થાળ ધરાવવામાં આવ્યો હતો, જેમાં માતાજીને રાજભોગ અર્પણ કરવામાં આવ્યો હતો.
મંદિરના પૂજારીઓએ સોનાની થાળી, વાટકા અને ચમચી વડે માતાજીને ભોગ ધરાવ્યો હતો. સાથે જ માતાજીને કિંમતી સોનાના આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા. આ પરંપરા નવી નથી, પરંતુ ગાયકવાડ સમયથી, એટલે કે લગભગ ૪૫૦ વર્ષથી, દિવાળી અને નૂતન વર્ષના પાવન દિવસે નિભાવવામાં આવે છે.
આ પ્રસંગે મંદિરને ફૂલ અને લાઇટોથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું, અને મોટી સંખ્યામાં ભક્તો મા બહુચરના સોનાના થાળના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ જય બહુચર માના જયકારા સાથે પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
આ વિધિ મા બહુચર પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા અને અખંડ પરંપરાનું પ્રતિક બની રહી છે, જે વર્ષોથી મહેસાણા જિલ્લાના આ પવિત્ર યાત્રાધામમાં ઉજવાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR