મહેસાણા, 20 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાની 10 જેટલી બહેનો ભેગી થઈ બનાવી છે “જય બહુચર સખી મંડળ” — જ્યાં નારિયેળના રેસાથી કળા અને કમાણીનું અદભૂત સંયોજન સર્જાયું છે. આ બહેનો નારિયેળના છોતરામાંથી તોરણ, ઝુમ્મર, ગણપતિ પ્રતિમા અને શોભાના આર્ટિકલ તૈયાર કરે છે. મેળામાં તેમના સ્ટોલ પર ભારે ભીડ રહે છે અને સરેરાશ દરેક સ્ટોલ પરથી ₹15,000 જેટલું વેચાણ થાય છે.
મંડળની આગેવાન ઠાકોર કિરણબેન અભયસંગ જણાવે છે કે શરૂઆતમાં ફિનિશિંગનો અભાવ હતો, પરંતુ સરકારે આપેલી મફત તાલીમ બાદ તેમણે કળાને વધુ નીખારી. હવે તેઓ નારિયેળના રેસાથી ગણપતિ, હેંગિંગ અને ડેકોરેટિવ વસ્તુઓ સુંદર રીતે તૈયાર કરે છે. તહેવારોમાં ગણપતિ પ્રતિમા ₹100 થી ₹1,000 સુધીના ભાવમાં વેચાય છે.
આ સખી મંડળની બહેનો દર વર્ષે લાખથી વધુની આવક મેળવી પોતાના ઘરની આર્થિક મદદરૂપ બની છે. “જય બહુચર સખી મંડળ” એ સાબિત કર્યું છે કે કુદરતી સામગ્રી, સરકારની સહાય અને મહિલાઓની સંકલ્પશક્તિ સાથે કોઈપણ ગામની બહેનો આત્મનિર્ભર બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR