નવસારી, 20 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકારે ભિલોડા તાલુકાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાથમતી નદી પર નવો અને આધુનિક પુલ બાંધવા માટે રૂ. 24 કરોડની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી હાલનો હાથમતીનો પુલ ભારે વાહનો માટે બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
તાજેતરમાં બનેલા નવા રાજ્ય મંત્રીમંડળમાં ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાને મંત્રી તરીકે સ્થાન મળ્યા બાદ તેમણે પોતાના મતવિસ્તારમાં વિકાસના કામોને ગતિ આપી છે. લોકમાગણીને ધ્યાનમાં રાખીને તેમણે સરકાર સમક્ષ હાથમતી પુલના નવનિર્માણની રજૂઆત કરી હતી, જેને રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે.
દિવાળીના પર્વની સાથોસાથ આ નિર્ણયથી ભિલોડા અને આસપાસના વિસ્તારોના નાગરિકોને મહત્વપૂર્ણ રાહત મળી છે. મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું કે આ પુલ બન્યા બાદ ભિલોડા અને મેઘરજ વચ્ચેનો સંચાર વધુ સુગમ બનશે અને સ્થાનિક વેપાર-વ્યવસાયને પણ વેગ મળશે.
મંત્રી બન્યા બાદ પ્રથમવાર ભિલોડા પહોંચતા પી.સી. બરંડાનું અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ધોલવાણી ત્રણ રસ્તા પાસે સ્થિત બિરસા મુંડા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને લોકો સાથે સંવાદ સાધ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે