અમરેલી,20 ઓક્ટોબર (હિ.સ.)
અમરેલી તાલુકા, ચલાલા અને વંડા પોલીસ મથકો દ્વારા આજે “પોલીસ સંભારણા દિવસ” નિમિત્તે માનવતા અને સેવા ભાવના ઉજાગર થાય તેવો ઉમદા ઉપક્રમ હાથ ધરાયો હતો. ત્રણેય પોલીસ મથકોના સંયુક્ત પ્રયાસથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ કર્મચારીઓ, જી.આર.ડી. જવાનો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું.
કાર્યક્રમનો ઉદ્દેશ સમાજ પ્રત્યે પોલીસ વિભાગની ફરજ સાથે માનવતાની સેવા પણ જળવાય તેવો સંદેશ આપવાનો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ સ્વેચ્છાએ ભાગ લીધો અને “જીવનદાતા” બનવાનો ગૌરવ અનુભવ્યો.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું કે, “પોલીસ સંભારણા દિવસ એ ફક્ત શહીદ પોલીસકર્મીઓને સ્મરણ કરવાનો દિવસ નથી, પણ સમાજ માટે કંઈક સકારાત્મક કરવાનું પ્રેરણાદાયી અવસર પણ છે.”
બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગના તબીબી સ્ટાફ દ્વારા સુવ્યવસ્થિત રીતે દાનકાર્યો યોજાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દાતાઓને સન્માનપત્રો અપાઈ, અને સમગ્ર કાર્યક્રમ માનવતા, સેવાના ભાવ અને પોલીસના સામાજિક દાયિત્વની પ્રતીતિ બની રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai