અમરેલી, 20 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળી તહેવારને આનંદ અને વહેંચણીનો તહેવાર ગણાતો હોય છે, ત્યારે દામનગર પોલીસ મથકે પણ એક અનોખી પહેલ હાથ ધરી છે. પોલીસ સ્ટાફ દ્વારા તહેવારની ખુશી માત્ર પોતાના પરિવાર સુધી મર્યાદિત રાખ્યા વિના, સમાજના જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ અંતર્ગત દામનગર પોલીસ દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને મીઠાઈ, ફરસાણ અને જરૂરી ખાદ્ય સામગ્રીના પેકેટ વિતરણ કરવામાં આવ્યા. પોલીસ કર્મચારીઓએ પોતાના સ્તરે આ સામગ્રી એકત્રિત કરી અને હૃદયપૂર્વક જરૂરિયાતમંદોને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “દિવાળી પ્રકાશનો તહેવાર છે — અને સાચો પ્રકાશ તે છે, જે બીજા લોકોના જીવનમાં ખુશી ફેલાવે.” દામનગર શહેરમાં પોલીસના આ માનવતાભર્યા કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે અને લોકોએ આ પહેલને “સેવામાં પણ સંવેદના” તરીકે વખાણી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai