

મહેસાણા, 20 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલા કડવા પાટીદાર સમાજના કુળદેવી સ્થાન — ઉમિયા માતાજી મંદિરમાં દિવાળીના પાવન પર્વે ભક્તિ અને આસ્થાનો અનોખો પ્રસંગ બન્યો. રાજકોટના ભૂમિબેન રાજેશ ફળદુ અને તેમના પરિવાર દ્વારા આશરે 52 ગ્રામ વજનના રૂ. 7.18 લાખના સોનાના કડા ઉમિયા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા.
આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાનના માનદમંત્રી જયંતી પટેલ સહિત હોદ્દેદારો અને અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાન દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. મંદિર પ્રાંગણ દિવાળીની ભવ્ય સજાવટથી ઝળહળી ઉઠ્યું હતું અને હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
સોનાના કડાનું આ અર્પણ માત્ર ભેટ નથી, પરંતુ તેમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા અને સંસ્કારનો પ્રતિબિંબ છે. ઉમિયા માતાજી મંદિર કડવા પાટીદાર સમાજની એકતા અને સેવા પરંપરાનું પ્રતીક બની ગયું છે, જ્યાંથી શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ જેવી પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. આ દાતાશ્રીના અર્પણથી સમાજમાં ભક્તિ, સંસ્કાર અને સમર્પણનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR