જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જામનગર શહેરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. કલેક્ટરે તમામ બાળકોને રૂબરૂ મળી સંવાદ કર્યો હતો. કલેક્ટર અને તેમના પરિવારે મનોદિવ્યાંગ બાળકો સાથે ફટાકડા ફોડ્યા હતા. અને બાળકોને ચોકલેટ તેમજ ફટાકડા આપી દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો દ્વારા અવનવી ડિઝાઇનના દીવડા બનાવવામાં આવે છે તેની કલેક્ટરે પણ ખરીદી કરી હતી અને બાળકોની આ કળાને બિરદાવી હતી. સેન્ટર દ્વારા દિવાળીના પર્વ દરમિયાન આ દીવડાઓનું વેચાણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૪૦૦૦ દીવડાઓ બનાવવામાં આવ્યા હતા અને તે રકમનો બાળકો માટે જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ડિમ્પલબેન મહેતા છેલ્લા ૧૭ વર્ષથી ૐ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. અહીં હાલ ૫ થી ૭૫ વર્ષના ૪૫ જેટલા બાળકો રહે છે. અને આ તમામ બાળકો સાથે રહીને દિવાળીની ઉજવણી કરવા બદલ તેઓએ અને બાળકોએ કલેક્ટરનો આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt