જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લા પોલીસે પોલીસ એ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કરતા ગુમ થયેલા 19 મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત કર્યા છે. જિલ્લા પોલીસ વડા અને સિટી ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી આ ફોન સુપ્રત કરવામાં આવ્યા હતા.
છેલ્લા બે મહિનાની કવાયત બાદ પોલીસે આ સફળતા મેળવી છે. જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા નાગરિકોના ગુમ થયેલા આ મોબાઈલ ફોન શોધવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની આગેવાની હેઠળ શહેર અને જિલ્લાના નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટે પોલીસ દ્વારા એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી છેલ્લા ત્રણ મહિનામાં આશરે 19 વ્યક્તિઓના મોબાઈલ ફોન ખોવાઈ ગયા હોવાની જાણકારી પોલીસને મળી હતી.
આ ગુમ થયેલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત મળી જાય તે માટે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એ. ડિવિઝનના પી.આઈ. નિકુંજસિંહ ચાવડા અને તેમની ટીમે આ કવાયત હાથ ધરી હતી.
પોલીસે ગુજરાત સરકારના વિશેષ સોફ્ટવેર 'સી.ઇ.આઈ.આર.' (CEIR) ની મદદ લીધી હતી. આ સોફ્ટવેર દ્વારા તમામ મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ કઢાવી ઝીણવટભરી તપાસ કર્યા બાદ કુલ 19 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.
અંદાજે 2 લાખ રૂપિયાની કિંમતના આ 19 મોબાઈલ ફોન જામનગર શહેર અથવા અન્ય વિસ્તારમાંથી ગુમ થયા હતા. આ તમામ ફોન શોધીને પરત મંગાવી લેવામાં આવ્યા હતા.
ગઈકાલે સિટી એ. ડિવિઝન પી.આઈ. નિકુંજ ચાવડાની કચેરીમાં યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં તમામ મૂળ માલિકોને તેમના ફોન સુપ્રત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામનો એક ભાગ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt