જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) જામનગરની વૃંદાવન સોસાયટીમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ સિટી 'એ' પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ.15.67 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.સિટી 'એ' પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ 19 ઓક્ટોબર, 2025ના રોજ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે, ચોરીમાં સંડોવાયેલો શખ્સ ચાંદીબજાર સર્કલ પાસે ચોરી કરેલા સોનાના દાગીના સાથે ફરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વર્ણન મુજબના શખ્સ, શિવા વાજેલીયાને ઝડપી પાડ્યો હતો.આરોપીની અંગઝડતી કરતા તેની પાસેથી કુલ રૂ. 9,17,800ની કિંમતના સોનાના દાગીના અને રૂ. 6,50,000 રોકડા મળી આવ્યા હતા. આ મુદ્દામાલમાં સોનાનું મંગળસૂત્ર (રૂ. 4.55 લાખ), પેન્ડલ સાથેની ચેન (રૂ. 1.59 લાખ), પાનબુટી ડિઝાઈનની બુટ્ટી (રૂ. 50,300), ફેન્સી સરવાળી બુટ્ટી (રૂ. 46,000), સફેદ નંગવાળી બુટ્ટી (રૂ. 37,000), પાંચ મરૂન, ગ્રીન, વ્હાઈટ નંગવાળી લેડીઝ વીંટી (રૂ. 24,500), પાંચ મરૂન, ગુલાબી, વ્હાઈટ નંગવાળી લેડીઝ વીંટી (રૂ. 25,500), એક નંગવાળી લેડીઝ વીંટી (રૂ. 30,500) અને ગાભા કડલી જોડી (રૂ. 90,000)નો સમાવેશ થાય છે.પોલીસે કુલ રૂ. 15,67,800નો મુદ્દામાલ કબ્જે કરી બી.એન.એસ. કલમ 305(એ), 331(3), 331(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી શિવા વાજેલીયાનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. તેની સામે જામનગર અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં કુલ 12 ગુના નોંધાયેલા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt