- ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને “Vocal for Local”ના મંત્રથી “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવા સંકલ્પબદ્ધ
- વડાપ્રધાનએ દિવાળીના પર્વે “Next Gen GST Reforms” દ્વારા ખુશીઓનું ડબલ બોનસ આપ્યું
ગાંધીનગર,20 ઓકટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા ઉત્સાહ, આનંદ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફ જવાની પ્રેરણા આપે છે. આ પ્રેરણા સાથે ગુજરાત ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સકારાત્મક દ્રષ્ટિકોણથી વિકાસ તરફની ઊર્ધ્વગતિ કરી રહ્યું છે.
મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી છે કે, આ તહેવારોમાં સૌ નાગરિકો સ્થાનિક વેપારીઓ, કારીગરો અને ઉદ્યોગકારો પાસેથી ખરીદી કરવા સંકલ્પબદ્ધ થઈને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’થી “Vocal for Local” દ્વારા “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડે.તેમણે ઉમેર્યું છે કે, વડાપ્રધાનએ દિવાળીના પર્વે “Next Gen GST Reforms” દ્વારા ખુશીઓનું ડબલ
બોનસ લોકોને આપ્યું છે, તેના પરિણામે વ્યવસાયો વધુ સરળ બન્યા છે, વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને ગુજરાત વધુ સમૃદ્ધિના નવા શિખરો સર કરી રહ્યું છે.
મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સુસંગત વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનને સાકાર કરવા ‘એજન્ડા ફોર 2035 થી રાજ્યના સર્વાંગી વિકાસના લક્ષ્યો આપણે નક્કી કર્યા છે.
વિક્રમ સંવતના આ નૂતન વર્ષે, વિકસિત ભારતના વડાપ્રધાનના વિઝનને વિકસિત ગુજરાતથી પાર પાડવા સૌ ગુજરાતીઓ સંકલ્પબદ્ધ બને તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી છે.ગુજરાતે ભારતના ગ્રોથ એન્જિન તરીકે આગવી ઓળખ ઊભી કરી છે. વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું
આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે તે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. રાજ્યની સંસ્કૃતિ અને વિકાસ સમગ્ર દેશ માટે આવનારા વર્ષોમાં વધુ પ્રેરણારૂપ બને તેવી મંગળકામનાઓ તેમણે વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને તેજ ગતિએ આગળ ધપાવવાના દ્રઢ સંકલ્પ સાથે સૌ કોઈ વિક્રમ સંવતના નૂતન વર્ષે વિકાસ માર્ગે વધુ ગતિમય બને તેવી અંતરની શુભકામનાઓ પણ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ