વડોદરા, 20 ઓકટોબર (હિ.સ.): ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આંતર ઝોનલ ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન એસવીઆઈટી વાસદ દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું. બે દિવસ ચાલેલી આ સ્પર્ધામાં પ્રથમ દિવસે ભાઈઓ ની કુલ 21 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો અને બીજા દિવસે 15 થી વધુ બહેનોની ટીમોએ ભાગ લીધો હતો.
ભાઈઓ ની સ્પર્ધામાં ફાઇનલમાં LDCE અમદાવાદની ટીમને 3-0 થી હરાવી SVITની ભાઈઓની ટીમ સતત બીજા વર્ષે GTU આંતર ઝોનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં વિજેતા બની હતી. બહેનોની સ્પર્ધામાં LDCE અમદાવાદની ટીમ એ VVP રાજકોટની બહેનોને 3-0 થી હરાવી સતત બીજા વર્ષે બહેનોમાં ચેમ્પિયનશિપ મેળવી હતી.
સમગ્ર સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરના રેફરીઓ એ સેવાઓ પૂરી પાડી હતી. જીટીયુ સ્પર્ધામાં પ્રથમ વખત ટેબલ ટેનિસ સ્પર્ધામાં સ્કોરિંગ માટે ડિજિટલ સ્કોર કાર્ડ મૂકવામાં આવ્યા હતા. ખેલાડીઓએ ટેબલ ટેનિસના ટેબલ, લાઈટીંગ, સ્કોરિંગ અને અમ્પાયરિંગના ખૂબ વખાણ કર્યા હતા.
સ્પર્ધાને અંતે સંસ્થાના અધ્યક્ષ ભાસ્કર પટેલ અને ઉપાધ્યક્ષ સંદીપ પટેલ, ટ્રસ્ટી રાહુલ પટેલના વરદહસ્તે વિજેતા ખેલાડીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.સમગ્ર સ્પર્ધાનું સંચાલન આચાર્ય ડૉ.ડી પી સોનીની સીધી દેખરેખ નીચે કોલેજના ડીપીઈ ડૉ. વિકાશ અગ્રવાલ દ્વારા
કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ