મધ્યરાત્રિની મહા આરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
ગીર સોમનાથ, 20 ઓક્ટોબર (હિ.સ.): વિક્રમ સંવત ૨૦૮૧ અંતિમ ચરણમાં છે, ત્યારે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારી રહ્યા છે. સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ બની છે તેમાં પણ દીપાવલી પર્વ પર સંવત ૨૦૮૧ ની અંતિમ માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. ત્યારે પ્રત્યેક માસિક શિવરાત્રીની પરંપરા અનુસાર સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.
સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના 10:00 કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરમાં પૂજારીઓ દ્વારા મહાદેવની મહાપૂજા અને મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારે સંવત ૨૦૮૧ ની અંતિમ માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. બમબમ ભોલે, જય સોમનાથના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ