સાવરકુંડલામાં નાવલી ઉત્સવની ધૂમ — ઊર્જામંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં લોકડાયરોમાં ઉમટી ભક્તિ-ઉલ્લાસની લહેર
અમરેલી, 20 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આજે ભવ્ય નાવલી ઉત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી. નાવલીના પટાંગણમાં સંતો-મહંતોના આશીર્વાદ અને ભક્તિમય માહોલ વચ્ચે આયોજિત લોકડાયરામાં ભક્તિ, લોકસંસ્કૃતિ અને સાહિત્યની સુગંધ છવાઈ ગઈ હતી. ઉ
સાવરકુંડલામાં નાવલી ઉત્સવની ધૂમ — ઊર્જામંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં લોકડાયરોમાં ઉમટી ભક્તિ-ઉલ્લાસની લહેર


અમરેલી, 20 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આજે ભવ્ય નાવલી ઉત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી. નાવલીના પટાંગણમાં સંતો-મહંતોના આશીર્વાદ અને ભક્તિમય માહોલ વચ્ચે આયોજિત લોકડાયરામાં ભક્તિ, લોકસંસ્કૃતિ અને સાહિત્યની સુગંધ છવાઈ ગઈ હતી.

ઉર્જામંત્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ લોકડાયરામાં રાજય અને સ્થાનિક સ્તરના અગ્રણીઓ, સંતો તથા ભક્તજનોની ભારે ભીડ ઉમટી પડી હતી. સંત જીગ્નેશ દાદા ‘રાધે રાધે’, ભક્તિરામબાપુ, તેમજ અનેક મહંતોના પવિત્ર સાંનિધ્યમાં કાર્યક્રમનો શુભારંભ થયો. સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવીયા, અને પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયા પણ વિશેષ રીતે હાજર રહ્યા.

આ પ્રસંગે ઊર્જામંત્રી કૌશિક વેકરીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસાહિત્યકાર રાજ ગઢવીના કંઠે રજૂ થયેલા લોકગીતો અને કાવ્યરસમાં સમગ્ર પટાંગણ ઝૂમી ઉઠ્યું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશ કસવાળા પણ લોકરંગમાં રંગાઈ ગરબે ઘૂમી ઉઠ્યા, જે દ્રશ્યો લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા.

કાર્યક્રમમાં ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, “નાવલી ઉત્સવ માત્ર ધાર્મિક મેળો નથી, પરંતુ એ લોકસંસ્કૃતિ અને ભક્તિભાવના પ્રતિકરૂપ છે. આવા ઉત્સવો આપણા પરંપરાગત મૂલ્યોને જીવંત રાખે છે અને નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડે છે.”

નાવલી ઉત્સવના આ લોકડાયરામાં સંગીત, ભજન અને લોકગીતોની મીઠી મોજ સાથે સાવરકુંડલાનો આખો વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande