પાટણ, 20 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નાણા ગામે 19 ઓક્ટોબર, 2025ની રાત્રે પોલીસ પર હુમલાની ગંભીર ઘટના બની હતી. રાધનપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એચ.વી. ચૌધરી તથા અન્ય ચાર પોલીસકર્મીઓ વોન્ટેડ આરોપી બળદેવ રબારી, પચાણ રબારી અને હમીર રબારીને પકડવા ખાનગી વાહનમાં ગામે ગયા હતા. રાત્રે 10:45 વાગ્યે તેઓએ આરોપીઓને ઘરની પાછળ ખુલ્લી જગ્યામાંથી પકડી પાડ્યા હતા.
આ દરમિયાન, આરોપીઓએ બૂમાબૂમ કરતા ગામમાંથી માના ખટાણા, અમરત રબારી, વાઘા રબારી, કાનજી રબારી, ભીખા રબારી સહિત પાંચ ઓળખાતા, બે અજાણ્યા પુરુષો અને સાતથી આઠ મહિલાઓ લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. આ ટોળાએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી, હુમલો કર્યો અને ઝપાઝપી કરીને ત્રણેય આરોપીઓને છૂટતા કર્યા હતા.
ટોળાએ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી, અપશબ્દો બોલ્યા અને ખેતરમાંથી માટીના ઢેફા ફેંકી હુમલો કર્યો હતો. ઘટનાના સમયે શિવા રબારી અને એક અજાણ્યો પુરુષ, જેમણે પોતાને ક્લાસ 2 અધિકારી તરીકે ઓળખાવ્યા, ઘટનાસ્થળે આવીને પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા હતા અને ભીડને ઉશ્કેરતાં પોલીસ વિરુદ્ધ ભડકાઉ ભાષા વાપરી હતી.
પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ 10 ઓળખી શકાય એવા અને 10 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવટ, હુમલો અને જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ