સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.) સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી સતત, દિવાળીના પાવન પ્રસંગે સફાઈ કર્મચારીઓ ભાઈઓ-બહેનો, નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ તેમજ દર્દીઓને શુભેચ્છા સાથે વિશેષ ભેટો અર્પણ કરવાની પરંપરા અનુસાર આ વર્ષે પણ અંગદાન ક્ષેત્રે સેવા આપતા ડ્રાઈવર, સફાઈ કર્મી, સિક્યોરિટી સ્ટાફ સહિતના સ્ટાફગણને ખાસ માનસિક દિવ્યાંગ દર્દીઓ દ્વારા હાથથી બનાવેલ દિવળાની ભેટ તેમજ કપડાની ભેટો અર્પણ કરવામાં આવી હતી.
કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલે આરોગ્ય ક્ષેત્રની સેવાને અજવાળવામાં સહભાગી બનેલા તબીબો અને નર્સિંગ સ્ટાફ માટે દરેક દિવસ એક ફરજ અને કરૂણાભાવ સાથે જીવંત કરી બતાવ્યો છે. દર્દીઓના આરોગ્ય માટે સતત કાર્યરત રહેતી ટીમને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે માનસિક દિવ્યાંગ દર્દીઓ દ્વારા બનાવેલા દિવડાઓને સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે તબીબો અને નર્સિંગ સ્ટાફગણને અર્પણ કરવામાં આવ્યા હતા.
નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સંકટના સમયે જરૂરીયાતમંદ દર્દીઓને સી.આર.પાટીલ દ્વારા સાધન-સામગ્રીઓની સહાય પૂર્વરત કરાઈ છે. સાથે સાથે આર્થિક સહાય પણ આપવામા આવે છે ત્યારે દર્દીઓના પરિવાર માટે આશાની કિરણ બની રહી છે. નર્સિંગ સ્ટાફની સેવા અને સંવેદના પોતે એક ભેટ છે જે શબ્દોથી પણ વધુ અસરકારક છે. સિવિલ હોસ્પિટલમાં મેં જોયું છે કે, નર્સિંગ કર્મચારીઓ પોતાનું સ્વાસ્થ્ય, પોતાનો પરિવારની પર્વાહ કર્યા વગર દર્દી માટે એક દિપક બની જાય છે. કેન્સર સહિતની મોંઘી દવાઓ માટે આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થાય છે.
આ પ્રસંગે વીર નર્મદ યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના ડીન મહેન્દ્રસિંહ ચૌહાણ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીજ્ઞેશ પાટીલ, RMO ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સ્ટેફ્રી મેકવાન, મિરજા પટેલ, નર્સિંગ એસો. નિલેશ લાઠીયા, વિરેન પટેલ સહિતના હેટ નર્સ, સ્ટાફ નર્સ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે